બે ડુંગળીના મોટા ટુકડામાં કાપી, તેમાં આદુ અને લસણ નાંખી, મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવવી. એક ડુંગળીના ગોળ પિત્તા કાપવા. પનીરના નાના નાના ટુકડા કરી, થોડા તેલમાં ગોલ્ડન કલરના તળી, સાઈડમાં રાખવા.
ટમેટાને ગરમ પાણીમાં ૪-૫ મિનિટ રાખી, તેની છાલ કાઢી, મિક્સરમાં ક્રશ કરી, ગરણીથી ગાળી, તેની પ્યુરી બનાવવી. એક કડાઈમાં બે ટેબલસ્પૂન તેલ ગરમ કરી, તેમાં ડુંગળીની પેસ્ટ નાંખી, તે સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળવી.
હવે તેમાં લાલ મરચું નાંખી, મિક્સ કરી, તેમાં ધીમે ધીમે દૂધ નાંખી હલાવતા રહેવું. પછી તેમાં કાજુના ટુકડા, ટમેટાની પ્યુરી નાંખી, મિક્સ કરી, થોડીવાર સુધી ઉકળવા દેવું.
હવે તેમાં શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, મીઠું, ખાંડ અને થોડું પાણી નાંખી, બરાબર મિક્સ કરી, ગ્રેવીમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવવી. ગ્રેવી થોડી ઘટ્ટ થાય પછી તેમાં મેથી દાણા નાખી સાઈડમાં રાખવી.
એક બીજા વાસણમાં બટર ગરમ કરી, તેમાં લીલા મરચાં, કેપ્સિકમ, ગાજરના ટુકડા અને ડુંગળીની રીંગને થોડીવાર સાંતળવી. પછી પનીરના ટુકડા અને શાકને મસાલા ગ્રેવીમાં મિક્સ કરવું. હવે તેમાં થોડું પાણી નાંખી, ઢાંકણ ઢાંકીને, ધીમા તાપે થોડીવાર ચડવા મુકવું.
શાક બરાબર ચડી જાય એટલે ગેસ પરથી ઉતારી તેમાં લીલા ધાણા નાંખવા. પીરસતા પહેલા તેની ઉપર થોડી ક્રીમ નાંખવું. ગરમગરમ પનીર વેજ મસાલા ફુલ્કા રોટલી, પરાઠા કે ભાત સાથે પીરસવું.
નોધ :
પનીરને તળ્યા વિના ઉપયોગમાં લેવું હોય તો પનીરના ટુકડાને થોડીવાર ઉકળતા પાણીમાં નાખીને કાઢી લેવા. ગ્રેવી જેટલી પાતળી બનાવવી હોય તે પ્રમાણે તેમાં પાણી નાંખવું.